ગણેશ શુગરના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કોગ્રેસ ના મહામંત્રી સંદીપ માંગરોલા સામે લગાવવામાં આવેલા આશરે રૂ. ૮૫ કરોડના કથિત કૌભાંડના આક્ષેપ મામલે આજે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.
આ મામલે માનનીય ન્યાયમૂર્તિ શ્રી નિખિલ એસ. કારિયેલની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળીને લગભગ ચાર વર્ષ બાદ સંદીપ માંગરોલાને રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. સાથે સાથે, માનનીય હાઇકોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટને ૧૮ મહિનાની અંદર કેસ પૂર્ણ કરવા સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો છે.
કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી ચાલતા કેસોમાં અનાવશ્યક વિલંબ ન થવો જોઈએ અને આરોપી તેમજ ફરિયાદ પક્ષ – બંનેને સમયબદ્ધ ન્યાય મળવો જરૂરી છે. આ હુકમ ન્યાય પ્રણાલીમાં પારદર્શિતા અને સમયબદ્ધ કાર્યવાહી પ્રત્યે કોર્ટની ગંભીરતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ છેલ્લા ચાર વર્ષથી વિચારાધીન હતો અને આરોપી તરફથી નિયમિત જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેને આજે મંજૂરી આપવામાં આવી છે. હવે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં કેસનો અંતિમ નિકાલ કરવામાં આવશે.
