ભરૂચ: ન્યૂ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ ઉતરતા ટોલનાકા બાદ નર્મદા બ્રિજ નજીક તેલ ભરેલી આઇસર ગાડી આગળ જતાં કન્ટેનર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસર ગાડીના કેબિન અને બોડીના ભાગને નુકસાન થયું હતું, જ્યારે તેમાં ભરેલા તેલના ટીનના ડબ્બા તૂટી જતાં મોટી માત્રામાં તેલ રસ્તા પર ઢોળાયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા થઈ ન હતી.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના કડીના અનીલભાઈ જગદીશભાઈ બારોટ (ઉં.વ.39) જગદંબા રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની ટ્રાન્સપોર્ટમાં ભાડેથી ચાલતી ગાડીઓ પૈકી કૌશિકભાઈ કરમણભાઈ ઓડની આઇસર ગાડી નંબર GJ-02-AT-8872 ગુલાબ ઓઇલ પ્રા.લિ. કંપની, બલાસર ગામથી તેલનો જથ્થો ભરીને નવસારી, વેસમા અને ચીખલી તરફ જવા નીકળી હતી.
તા.25 નવેમ્બરના રોજ વહેલી સવારે કંપની તરફથી અનીલભાઈને મેસેજ મળ્યો હતો કે આઇસરમાં તેલના 728 ટીનના ડબ્બા અને 77 કાર્ટુન ભરવામાં આવ્યા છે. ત્યારબાદ સવારે આશરે 8:30 વાગ્યે અન્ય ટ્રકચાલક લાલાભાઈ ઓડે ફોન કરીને જાણ કરી હતી કે કૌશિકની આઇસરને નર્મદા બ્રિજ નજીક અકસ્માત નડ્યો છે.
જેથી અનીલભાઈ સ્થળ પર પહોંચતાં આઇસર આગળ ચાલતા કન્ટેનર નંબર HR-69-C-8190 સાથે અથડાયેલી હાલતમાં જોવા મળી હતી. અકસ્માતમાં આઇસરનો કેબિન અને બોડીનો ભાગ તૂટી ગયો હતો. તેલના કેટલાક ડબ્બા નીચે પડી તૂટી જતાં તથા અન્ય ડબ્બા દબાઈ જતાં તેલ લીકેજ થઈ રસ્તા પર ફેલાયું હતું.
આ મામલે ટ્રાન્સપોર્ટ સંચાલક અનીલભાઈ બારોટે આઇસરચાલક કૌશિકભાઈ ઓડ સામે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસની માંગ કરી છે.
