ભરૂચ:
શહેરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધર્યું છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પાલિકાના સફાઈકર્મીઓ વિવિધ વિસ્તારોમાં સતત કામગીરી કરી રહ્યા છે.
સરકારના ‘સેફ્ટી ફર્સ્ટ’ અભિગમને અનુરૂપ સ્વચ્છતા દૂતો દ્વારા શહેરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પૂર અને વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે સફાઈ, કચરાના નિકાલ, જંતુનાશક દવાઓના છંટકાવ તેમજ જરૂરી દવાઓના વિતરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં કચરો જમા થવાથી પાણી ભરાવાની (વોટર લોગિંગ) સમસ્યા સર્જાઈ હતી. પાલિકાની ટીમોએ આવા વિસ્તારોની ઓળખ કરી મશીનરીની મદદથી તાત્કાલિક કચરો દૂર કરીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી.
નગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને વરસાદ બાદ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે આગામી દિવસોમાં પણ સફાઈ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી સતત ચાલુ રહેશે.
