ભરૂચ: વાગરા તાલુકાના સંભેટી ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલાંના મોત થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાના વિરોધમાં ગ્રામજનો શિવાલીક કંપની સામે એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસના ભાગરૂપે કંપનીમાંથી તેમજ સંબંધિત સ્થળેથી નમૂનાઓ (સેમ્પલ) એકત્ર કર્યા હતા. હવે સેમ્પલના રિપોર્ટ બાદ માછલાંના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
ગામના આગેવાન અમરસિંગ પઢિયાર અને સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના લોકો તળાવના પાણીનો ઉપયોગ પીવા ઉપરાંત રસોઈ, ઘરગથ્થુ કામકાજ અને પશુધન માટે પણ કરે છે. આવી સ્થિતિમાં તળાવનું પાણી દૂષિત થયું હોય તો સમગ્ર ગામના લોકોના આરોગ્ય તેમજ પશુઓના જીવન માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે વરસાદ દરમિયાન ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતાં તળાવ પ્રદૂષિત બન્યું અને તેના કારણે માછલાંના મોત થયા છે. તેમણે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નોંધનિય છે કે, હાલ ઔદ્યોગિક પાણી છોડવામાં આવ્યું હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. શિવાલીક કંપનીની જવાબદારી કે દૂષણનું ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર થયો નથી. જીપીસીબી દ્વારા લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
