વાંકલ :
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સલ્લી ગામની સીમમાં પુરઝડપે દોડતી મોટરસાઇકલ સ્લીપ થઈ જતાં 30 વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સલ્લી ગામથી અંબાડી ગામ તરફ જતા માર્ગ પર ભારજીભાઈ ઉબડીયાભાઈ વસાવાના ખેતર નજીક સુનિલભાઈ રમેશભાઈ વસાવા (ઉં.વ.30, રહે. નિશાળ ફળિયું, સલ્લી ગામ, તા. ઉમરપાડા, જિ. સુરત) પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (નં. GJ-19-AB-8745) લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક રોડની સાઇડમાં સ્લીપ થઈ ગઈ હતી.
અકસ્મતમાં સુનિલભાઈને ચહેરા તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે રમેશભાઈ સેરીયાભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 106(1) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 198 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એસ.આઈ. અશોકભાઈ ઇશ્વરભાઈ ચલાવી રહ્યા છે.
