પાનોલી : ભરૂચ જિલ્લાના પાનોલી નજીક જૂની ચાચા હોટલ (આમલીવાલા)ની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં આગની જ્વાળાઓ ફેલાતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પાનોલી નોટિફાઈડના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગ વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
જોકે, ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવી નથી. પાનોલી નોટિફાઈડના ફાયર વિભાગની ત્વરિત કામગીરીની સરાહના થઈ રહી છે.
