ભરૂચ: વાગરા તાલુકાના પીપળીયા ગામ નજીક પીપળીયા-વહીયાલ રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં આવી રહેલા કન્ટેનર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ દરમિયાન મોટરસાઇકલ પર સવાર દંપતી અને તેમની ત્રણ વર્ષની નવાસી અકસ્માતનો ભોગ બન્યાં હતાં. કન્ટેનર નીચે મોટરસાઇકલ સાથે દબાઈ જતાં 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિને કમર અને પગના ભાગે ઇજાઓ થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીપળીયા ગામની નવીનગરીમાં રહેતા 50 વર્ષીય ઠાકોરભાઈ જીવણભાઈ રાઠોડ ગત 26 નવેમ્બરની સવારે આશરે 7:30 વાગ્યે પોતાની હોન્ડા સાઇન મોટરસાઇકલ પર પત્ની સંગીતાબેન (ઉં.વ.45) અને ત્રણ વર્ષની નવાસી નિશાને બેસાડીને જંબુસર જવા નીકળ્યા હતા. મોટરસાઇકલની સર્વિસ કરાવવા અને નંબર પ્લેટ લગાવવાના કામે તેઓ જઈ રહ્યા હતા.
દરમિયાન સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં પીપળીયાથી વહીયાલ તરફ જતા રોડ પર વળાંક પાસે તેમની આગળ એક મોટરસાઇકલ પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલા કન્ટેનર ટ્રક નંબર GJ-16-AV-0773ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રકની નીચે ઠાકોરભાઈની મોટરસાઇકલ દબાઈ ગઈ હતી. ઠાકોરભાઈ અને બાળકી ફંગોળાઈને દૂર પડ્યાં હતાં, જ્યારે સંગીતાબેન મોટરસાઇકલ સાથે ટ્રક નીચે દબાઈ ગયાં હતાં. આગળ જઈ રહેલી અન્ય મોટરસાઇકલ પણ ટ્રક નીચે દબાઈ ગઈ હતી.
સ્થાનિકોએ ક્રેન બોલાવી કન્ટેનર ઊંચું કરાવી સંગીતાબેનને બહાર કાઢ્યાં હતાં. તેમને લોહીલુહાણ અને બેભાન હાલતમાં વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે સવારે આશરે 10 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવમાં ઠાકોરભાઈને ઇજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી, જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ અંગે ઠાકોરભાઈ રાઠોડે કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
