દીપ ટ્રસ્ટના સ્વ-સહાય જૂથોની અનોખી પહેલ, રૂ. 11.75 લાખના ઇનામોનું વિતરણ; સાથે રૂ. 245 લાખના માર્ગનું લોકાર્પણ
વાંકલ :
માંગરોળ તાલુકાના વકીલપરા મુકામે “સ્વ-સહાય જૂથ સ્વચ્છ ઘર-સ્વચ્છ ગામ ઇનામ વિતરણ કાર્યક્રમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જી.આઇ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ-નાની નરોલી દ્વારા તેમના કાર્યક્ષેત્રના ગામોમાં ચલાવવામાં આવેલા સફાઈ અભિયાન અંતર્ગત આ હરીફાઈ યોજાઈ હતી, જેમાં વિજેતા ગામોને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે સી.એસ. જાડેજા (ચીફ જનરલ મેનેજર અને ટ્રસ્ટી), પી.સી. ગોયેલ (જનરલ મેનેજર અને ટ્રસ્ટી) હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્યો અમિષાબેન પરમાર, નયનાબેન સોલંકી તેમજ દિનેશભાઈ સુરતી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા વકીલપરાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વકીલપરા અને રાજગઢ ગામની સ્વ-સહાય જૂથની બહેનોએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું, જ્યારે લુણા ગામની બહેનોએ અભિનય ગીત દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
સફાઈ અભિયાનમાં કુલ 25 ગામોના સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો હતો, જેમાં 1473 બહેનો જોડાઈ હતી. હરીફાઈમાં વડોલી ગામે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે રાજગઢ ગામ બીજા ક્રમે અને સુરાલી તથા નાની પારડી ગામો ત્રીજા ક્રમે રહ્યા હતા. તમામ વિજેતાઓને તથા ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. કુલ રૂ. 11.75 લાખના ઇનામો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ દીપ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન અને મહિલાઓના સશક્તિકરણના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ સાથે સાથે માંગરોળ તાલુકામાં વિકાસને પ્રોત્સાહન આપતા વકીલપરા-અરોઈ-ખરેડા માર્ગનું રૂ. 245 લાખના ખર્ચે લોકાર્પણ પણ ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન દીપ ટ્રસ્ટના ઇન્ચાર્જ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર સચિન શાહના માર્ગદર્શન હેઠળ એન.પી. વઘાસિયા (મેનેજર) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
