ભરૂચ જિલ્લામાં નબીપુર બ્રિજ નજીક રાજસ્થાની બાલાજી હોટલ પાસે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. રસ્તાની બાજુમાં ઉભેલી આઇસર ગાડીને પાછળથી અન્ય આઇસર ગાડીએ જોરદાર ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના દેત્રોજ રામપુરા તાલુકાના ગુંજાલા ગામના રહેવાસી રાજપાલિસિંહ વિષ્ણુસિંહ ઝાલા કમલ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. ગત 16 જૂનના રોજ રાત્રિના સમયે તેઓ કમલ ટ્રાન્સપોર્ટની આઇસર ગાડીમાં મારુતિ સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC તરફ જવા નીકળ્યા હતા. તેમની સાથે તેમના કાકાના દીકરા વિરેન્દ્રસિંહ સદુભા ઝાલા પણ હાજર હતા.
વહેલી સવારે આશરે 6:30 વાગ્યાના અરસામાં નબીપુર બ્રિજ પાર કરી રાજસ્થાની બાલાજી હોટલ નજીક પહોંચતા આઇસર ગાડીના આગળના ખાલી સાઇડના ટાયરમાં પંચર પડ્યું હતું. જેના કારણે ગાડીને રોડની બાજુમાં ઉભી રાખવામાં આવી હતી. ડ્રાઇવર રાજપાલિસિંહ નજીકની પંચરની દુકાનેથી જેક લેવા માટે ગયા હતા, જ્યારે વિરેન્દ્રસિંહ ગાડીમાં જ બેઠા હતા.
થોડીવાર બાદ રાજપાલિસિંહે ફોન કરી વિરેન્દ્રસિંહને પોતાની પાસે બોલાવ્યા હતા. જેથી વિરેન્દ્રસિંહ ગાડીમાંથી નીચે ઉતરી ગાડીની બાજુમાં ઉભા રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલી આઇસર ગાડીના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી રોડ કિનારે ઉભેલી આઇસરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે ગાડીની બાજુમાં ઉભેલા વિરેન્દ્રસિંહ નીચે પટકાયા હતા અને આઇસરનું ટાયર તેમના શરીર પરથી ફરી વળતા કમર, પેટ, પગ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વિરેન્દ્રસિંહને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ઇમરજન્સી સારવાર આપ્યા બાદ ICUમાં દાખલ કર્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જનાર આઇસર ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
