ભરૂચ:
નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના બાગાયતશાસ્ત્ર વિભાગ દ્વારા ‘ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન’ વિષય પર એક સપ્તાહીય સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 10થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 9 નવસાહસિકોએ ભાગ લીધો હતો.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. નાયકના માર્ગદર્શન તેમજ કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. ડી. ડી. પટેલ અને બાગાયતશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક તથા વડા ડૉ. વિનય કે. પરમારના દિશાસૂચન હેઠળ આ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમનો મુખ્ય હેતુ ફળ અને શાકભાજીની લણણી બાદ થતો બગાડ અટકાવવા તેમજ કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને નવસાહસિકોને વ્યવસાયની નવી તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો.
કોર્સ ડાયરેક્ટર અને બાગાયતશાસ્ત્ર વિભાગના સહ-પ્રાધ્યાપક ડૉ. સંદીપ એલ. સાંગાણીએ પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગની લેબોરેટરીમાં વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાની પ્રાયોગિક તાલીમ આપી હતી. જેમાં આમળા અને તરબૂચની છાલની કેન્ડી, ફળોના જામ, વિવિધ એપેટાઇઝર, ટામેટા કેચપ, ટામેટાની ચટણી, ખજૂર-આમલીની ચટણી તથા વિવિધ પ્રકારના અથાણાં બનાવવાની પદ્ધતિ શીખવવામાં આવી હતી.
આ ઉપરાંત મદદનીશ પ્રાધ્યાપક ડૉ. દર્શના ચૌધરી દ્વારા આંબા અને જામફળના છોડમાંથી કલમ તૈયાર કરવાની પ્રાયોગિક રીતો અંગે તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ પૂર્ણ કરનાર નવસાહસિકો ભવિષ્યમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન સાથે રોજગારીની તકો ઊભી કરે અને રાજ્ય તથા દેશના અર્થતંત્રમાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
