ભરૂચ :
દહેજ-વાગરા માર્ગ પર સરસ્વતી નાળા નજીક એસઆરએફ ટાવર પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાગરા તાલુકાના વાવ ગામના મોટા ફળિયામાં રહેતા મહેશ શનુ વાઘેલા બાઈક પર જોલવા ખાતે આવેલા પોતાના પાનના ગલ્લે ગયા હતા. સાંજના આશરે પોણા આઠ વાગ્યાના અરસામાં ગલ્લાનું કામ પૂર્ણ કરી તેઓ બાઈક પર દહેજ તરફ જવા માટે નીકળ્યા હતા.
દરમિયાન સરસ્વતી નાળા પાસે એસઆરએફ ટાવર નજીક પહોંચતા રોડ પર કેટલાક લોકોનું ટોળું જોવા મળ્યું હતું. મહેશભાઈએ બાઈક ઉભી રાખી તપાસ કરતાં એક અજાણ્યો યુવાન અર્ધબેભાન હાલતમાં રોડ પર પડેલો જોવા મળ્યો હતો. તેના માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટનાની ગંભીરતા સમજી મહેશભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડા સમય બાદ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતા ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ અંગે શરૂઆતમાં કોઈ માહિતી મળી નહોતી.
બનાવ અંગે મહેશ શનુ વાઘેલાએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. અકસ્માત કયા વાહનથી અને કેવી રીતે સર્જાયો તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
