ભરૂચ :
ભરૂચ તથા આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા સોલાર પાવર પ્લાન્ટ અને હાઈટેન્શન વીજ લાઇનમાંથી કોપર-એલ્યુમિનિયમના કેબલ તેમજ ભંગાર ચોરી કરતી ગેંગનો ભરૂચ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી આમોદના 5, વેડચનો 1 અને ખંભાતના 3 મળી કુલ 9 કેબલ ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મિલકત સંબંધિત વણઉકેલ્યા ગુનાઓ શોધવા એલસીબીની ટીમો દ્વારા હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આમોદ આછોદ ચોકડી નજીક ઓરેન્જ કલરની મોટરસાયકલ સાથે ચાર શખ્સો કેબલ ચોરીમાં સંડોવાયેલા હોવાની બાતમી મળતાં પીએસઆઈ એ.વી. શિયાળીયાની ટીમે વોચ ગોઠવી ચારેયને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન આમોદ, વેડચ અને ખંભાત વિસ્તારમાં સોલાર પ્લાન્ટ તથા હાઈટેન્શન વીજ લાઇનમાંથી કેબલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે આમોદ પોલીસને સોંપ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં સુહેલ અબ્બાસ પટેલ, ઓમપ્રકાશ લાલમણી યાદવ, મોહંમદ રહીયુફ મોહંમદ અલી ખાન અને મનોજ રામબહોર યાદવનો સમાવેશ થાય છે. જ્યારે ઝુબેર ઉર્ફે મીલી ઇસ્માયલ પટેલ અને આસીફ ઉર્ફે રુપાલ ઐયુબ વ્હોરા વોન્ટેડ છે.
પોલીસે રૂ.50 હજારની મોટરસાયકલ અને રૂ.70 હજારના ચાર મોબાઇલ મળી કુલ રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી પીએસઆઈ એ.વી. શિયાળીયા સહિતની ટીમે કરી હતી.
