ભરૂચના શેરપુરા ગામે ટપાલની વહેંચણી કરવા ગયેલા પોસ્ટમેન પર સલમાન નામના શખ્સે હુમલો કરતાં ચકચાર મચી છે. ટપાલ આપવા ઘરનો દરવાજો ખખડાવતાં ઉશ્કેરાયેલા શખ્સે પોસ્ટમેનને ગાળો આપી છાતી અને પીઠના ભાગે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મૂળ સાબરકાંઠાના કાંકરોલ ગામના અને હાલ ભરૂચના લાલબજારમાં રહેતા આકાશકુમાર હસમુખભાઈ દવે (ઉં.વ.29) પોસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવે છે. તા.3 નવેમ્બરના રોજ તેઓ શેરપુરા ગામમાં ટપાલ વિતરણ કરવા ગયા હતા. દરમિયાન વાડી ફળિયામાં મુબીના માઝ પટેલની પત્નીના નામે આવેલી ટપાલ આપવા એક મકાનનો દરવાજો ખખડાવ્યો હતો.
ટપાલ પોતાની ન હોવાનું જણાવ્યા બાદ ઘરમાંથી આવેલા શખ્સે ઉશ્કેરાઈ પોસ્ટમેનને માર માર્યો હતો. એટલું જ નહીં, સિરામિક ટાઇલ લઈને મારવા દોડ્યો હતો અને મદ્રેસા પાસે ફરી પકડી ઢીકાપાટુનો માર મારી તેમનું ટી-શર્ટ તથા ડિલિવરી સ્લિપ ફાડી નાખી હતી. ગ્રામજનોએ વચ્ચે પડી શખ્સને અટકાવ્યો હતો. આકાશભાઈએ સલમાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
