ભરૂચ:
ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે લુબ્રિઝોલ કોર્પોરેશન અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સ્થાપિત અત્યાધુનિક CPVC રેઝિન ઉત્પાદન પ્લાન્ટનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ, વૈશ્વિક રોકાણ અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી દિશા આપતો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારત વિકાસની રાજનીતિના નવા યુગમાં આગળ વધી રહ્યું છે અને ગુજરાતે છેલ્લા ઘણા વર્ષોમાં મજબૂત નીતિઓ તથા રોકાણકારમૈત્રીપૂર્ણ વાતાવરણથી દેશ-વિદેશના ઉદ્યોગોનો વિશ્વાસ જીત્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત દેશના કેમિકલ ક્ષેત્રમાં આશરે 33 ટકા જેટલી ભાગીદારી ધરાવે છે, જે રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાનું પ્રતિબિંબ છે. વિલાયત ખાતે શરૂ થયેલો આ અદ્યતન CPVC પ્લાન્ટ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ મજબૂત બનાવશે અને રોજગારી સાથે સ્થાનિક અર્થતંત્રને પણ નવી ગતિ આપશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ–2026 ઉદ્યોગ, રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત બનાવશે.
તેમણે ઉમેર્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને આગળ વધારતા આવા પ્રોજેક્ટ હવે ‘મેક ફોર વર્લ્ડ’ના વિઝનને પણ વેગ આપી રહ્યા છે. મોટા ઔદ્યોગિક રોકાણોથી રોજગારીની નવી તકો ઊભી થાય છે તેમજ MSME, સપ્લાય ચેઇન અને સ્થાનિક ઉદ્યોગોને પણ વિકાસની નવી તક મળે છે.
આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રુપના ગ્લોબલ કેમિકલ્સ બિઝનેસ હેડ અને CEO જયંત ધોબલેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગ્રાસિમની ઉત્પાદન ક્ષમતા અને લુબ્રિઝોલની અદ્યતન ટેક્નોલોજીનું સંકલન છે, જેના દ્વારા ભારતીય બજારને ઉચ્ચ ગુણવત્તાની CPVC સામગ્રી ઉપલબ્ધ થશે.
લુબ્રિઝોલના CEO રેબિક્કા લિબર્ટે જણાવ્યું હતું કે કંપની સલામતી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના ઉચ્ચ ધોરણો સાથે ભારતમાં ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર કરી રહી છે અને ગુજરાતમાં સ્થાપિત આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવશે.
આ વિશ્વસ્તરીય ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ (CPVC) રેઝિન પ્લાન્ટ દ્વારા સ્થાનિક સ્તરે ઉચ્ચ ગુણવત્તાવાળા CPVC રેઝિન અને કમ્પાઉન્ડ્સનું ઉત્પાદન થશે, જે રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાઇપ અને ફિટિંગ્સ ઉત્પાદનમાં ઉપયોગી બનશે. સાથે જ દેશમાં સુરક્ષિત જળ પુરવઠા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પણ સહકાર મળશે.
કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, ઉદ્યોગજગતના આગેવાનો અને કંપનીના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
