Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારે વરસાદમાં ધરાશાયી થયેલા બાગાયતી વૃક્ષોને વૈજ્ઞાનિક માવજતથી ફરી કરી શકાય જીવંત, બાગાયત વિભાગે ખેડૂતોને આપી માર્ગદર્શિકા

Share

 

ભરૂચ : તાજેતરમાં ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં આવેલા પૂરના કારણે બાગાયત પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કેરી, ચીકુ, લીંબુ, જામફળ, નાળિયેર અને અન્ય બાગાયતી વૃક્ષો મૂળ સહિત ઢળી પડતાં ખેડૂતોની વર્ષોની મહેનત જોખમમાં મુકાઈ છે. જોકે, આવા સંજોગોમાં ગભરાવાની જરૂર નથી. જો વૃક્ષોના મૂળ જમીન સાથે જોડાયેલા હોય તો યોગ્ય સમયે વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરવામાં આવે તો મોટાભાગના વૃક્ષોને ફરી બેઠાં કરીને પુનર્જીવિત કરી શકાય છે. આ અંગે બાગાયત વિભાગે ખેડૂતો માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે.

Advertisement

વિભાગના જણાવ્યા મુજબ, ધરાશાયી થયેલા વૃક્ષોને ઉતાવળમાં કે જોરથી ઊભાં કરવાનો પ્રયાસ કરવો નહીં. આવું કરવાથી મૂળને વધુ નુકસાન થઈ શકે છે. વૃક્ષને ધીમે-ધીમે સીધું કરીને લાકડાના મજબૂત ટેકા અથવા દોરીની મદદથી સ્થિર રાખવું જોઈએ. આ પ્રક્રિયા દરમિયાન મૂળ શક્ય તેટલા સુરક્ષિત રહે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.

વૃક્ષને સ્થિર કર્યા બાદ તેની લાંબી, નમી ગયેલી અને તૂટેલી ડાળીઓની છાંટણી કરવી જોઈએ. વધારાની ડાળીઓ દૂર કરવાથી વૃક્ષ પરનો ભાર ઓછો થાય છે અને પોષક તત્ત્વોનો ઉપયોગ નવી વૃદ્ધિ માટે થઈ શકે છે. છાંટણી બાદ જ્યાં કાપ મૂકવામાં આવ્યો હોય ત્યાં કોપર ઓક્સિક્લોરાઇડ (COC)ની ફૂગનાશક પેસ્ટ લગાવવાથી ફૂગજન્ય ચેપ અટકે છે અને ઘા ઝડપથી રૂઝાય છે.

બાગાયત વિભાગે ચોમાસા દરમિયાન છાણિયા ખાતરનો ઉપયોગ ટાળવાની પણ સલાહ આપી છે. તેના બદલે એક કિલો વર્મી કમ્પોસ્ટમાં 50 ગ્રામ કાર્બેન્ડાઝીમ ભેળવી ચારથી પાંચ દિવસ સુધી તૈયાર કર્યા બાદ થડની આસપાસ આપવું જોઈએ. ઉપરાંત, મૂળના સડાને રોકવા માટે 200 લિટર પાણીમાં એક કિલો ટ્રાયકોડર્મા વિરિડી અને બે કિલો યુરિયા ભેળવી દ્રાવણ તૈયાર કરી દરેક વૃક્ષને અંદાજે એક લિટર આપવું જોઈએ. આ પ્રક્રિયા મહિનામાં બે થી ત્રણ વખત કરવાથી મૂળની વૃદ્ધિમાં વધારો થાય છે અને વૃક્ષ ઝડપથી પુનર્જીવિત થાય છે.

વિભાગે ખેડૂતોને ભવિષ્યમાં આવા નુકસાનથી બચવા માટે પણ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. ચોમાસા પહેલાં દરેક વૃક્ષની આસપાસ ઓછામાં ઓછા બે ફૂટ ઊંચા પાળા બનાવવા, બાગમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી અને ભારે વરસાદ બાદ નિયમિત નિરીક્ષણ કરીને નમી ગયેલા વૃક્ષોને તરત ટેકો આપવો જરૂરી હોવાનું જણાવાયું છે.

બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ કે પૂર બાદ યોગ્ય સમયે વૈજ્ઞાનિક માવજત કરવામાં આવે તો ધરાશાયી થયેલા મોટાભાગના બાગાયતી વૃક્ષો ફરી વિકાસ પામી શકે છે. ખેડૂતો સમયસર નિષ્ણાતોની સલાહ લઈને આ પદ્ધતિઓ અપનાવે તો વર્ષોની મહેનત બચાવી શકાય છે, ઉત્પાદન જાળવી શકાય છે અને બાગાયત ક્ષેત્રને થતા આર્થિક નુકસાનમાં પણ નોંધપાત્ર ઘટાડો શક્ય બનશે.


Share

Related posts

હાઇવે પર ટ્રાફિકજામ – ભરૂચથી સુરત જતા માર્ગ પર અનેક વાહનો અટવાયા, વરસાદમાં હાઇવેની સ્થિતિ ખરાબ થતા મુશ્કેલી ઉભી થઈ

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલના પાણીમાં છોડાતુ દુષિત મિક્ષ પાણી પીતા પશુઓના આરોગ્ય પર ખતરો?

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજથી આંતર ગ્રામ્ય બસ સેવાનો પ્રારંભ, ૯૯ દિવસ બાદ પ્રથમ બસ પાલેજ આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!