Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઢોર પકડવા ગયેલી ટીમ પર આખલાનો હુમલો : રસ્તા પર અડિંગો જમાવતા ઢોરથી વાહનચાલકોમાં ભય, કામગીરી દરમિયાન આક્રમક આખલો ધસી આવતાં અફરાતફરી

Share

 

અંકલેશ્વર GIDCના નોટિફાઇડ ઓથોરિટી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ રહેતા વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે ફરી સવાલ ઊભા થયા છે. રસ્તા પર અડિંગો જમાવીને બેસતા ઢોરના કારણે અકસ્માતની દહેશત વચ્ચે તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, ઢોર પકડવાની કામગીરી દરમિયાન જ આક્રમક આખલો ટીમ તરફ ધસી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

નોટિફાઇડ ઓથોરિટી, ભરૂચ પાંજરાપોળ તથા કામધેનુ ગૌરક્ષા સમિતિના સહયોગથી GIDC વિસ્તારમાં રખડતા ઢોરને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન અચાનક એક આક્રમક આખલો ઢોર પકડવાની ટીમ તરફ ધસી આવ્યો હતો.

આખલો ધસી આવી ટીમના વાહન સુધી પહોંચ્યો હતો અને વાહનની કેબિનમાં બેઠેલા ચાલક તરફ હુમલો કરવાનો પ્રયાસ કરતાં કામગીરીમાં જોડાયેલા લોકોમાં ક્ષણભર માટે દોડધામ મચી હતી. જોકે, સાવચેતીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

અગાઉ પણ અકસ્માતોની ઘટનાઓ સામે આવી

અંકલેશ્વર GIDC વિસ્તારમાં રખડતા ઢોરના કારણે અગાઉ પણ વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની તેમજ વાહનોને નુકસાન પહોંચ્યાની ફરિયાદો સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. રસ્તા વચ્ચે ઢોરના ટોળાં અડિંગો જમાવીને બેસતા હોવાથી ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે જોખમ વધી રહ્યું છે.

સ્થાનિકોની રજૂઆતો બાદ હવે રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, કામગીરી દરમિયાન જ આખલાએ હુમલો કરવાનો પ્રયાસ કરતાં રખડતા ઢોરની સમસ્યા કેટલી ગંભીર બની શકે છે તેનો ચિતાર જોવા મળ્યો હતો.

કામગીરી દરમિયાન પણ વાહનચાલકો બેદરકાર

ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં કેટલાક વાહનચાલકો અને રાહદારીઓ જોખમની પરવા કર્યા વગર સ્થળ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આવી કામગીરી દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે. આક્રમક ઢોર અચાનક વાહન તરફ ધસી આવે તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે.

ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી તથા કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્માએ જણાવ્યું હતું કે, રખડતા ઢોરના કારણે લોકોની સલામતીનો પ્રશ્ન ઊભો થયો છે. ઢોર પકડવાની કામગીરી દરમિયાન લોકો તંત્ર અને કામગીરીમાં જોડાયેલી ટીમને સહકાર આપે તે જરૂરી છે. કામગીરી ચાલી રહી હોય ત્યારે વાહનચાલકો અને રાહદારીઓએ પણ સાવચેતી રાખવી જોઈએ.

માત્ર ઢોર પકડવાથી નહીં, કાયમી ઉકેલ જરૂરી

રખડતા ઢોરને પકડીને થોડા સમય માટે રસ્તાઓ પરથી હટાવવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે અંગે સ્થાનિકોમાં સવાલો છે. GIDC વિસ્તારમાં ફરીથી ઢોર રસ્તા પર ન આવે તે માટે નિયમિત કામગીરી, યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે.

રસ્તા પર રખડતા ઢોરના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને જાનહાનિ થાય તે પહેલાં તંત્ર દ્વારા સતત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તથા અંકલેશ્વર GIDCમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Share

Related posts

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

ProudOfGujarat

આરતી ઇન્ડસ્ટ્રીઝ, ઝધડિયા દ્વારા વેસ્ટ નિકાલ અને પ્રદુષિત પાણીનું જાહેરમાં નિકાલ કરાતા થયેલ ફરિયાદ

ProudOfGujarat

સુરેન્દ્રનગર: લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે આજે NCC ના કેડેટને યુનીફોર્મ ,બેજનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!