ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર ગત રાત્રે કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. સાઇટની કંપાઉન્ડ વોલ અચાનક ધરાશાયી થતાં બાજુમાં આવેલા એક ઝૂપડાં પર તૂટી પડી હતી. તે સમયે ઘરમાં સૂતેલા એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષીય પુત્ર આશિષ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમની સારવાર ચાલુ છે.
ચોમાસાના પ્રથમ વરસાદે ભરૂચમાં એક તરફ લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત અપાવી, તો બીજી તરફ આ દુઃખદ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાએ નિર્માણાધીન સાઇટ્સ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ ઘટના પાછળ માત્ર ભારે વરસાદ જવાબદાર છે કે પછી બિલ્ડરની બેદરકારી પણ કારણભૂત છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
