ભરૂચ : જંબુસર-દહેજ વચ્ચેના ડોલિયા-દેણવા બ્રિજનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આશરે 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો આ બ્રિજ કાર્યરત થતાં જંબુસરથી દહેજ તરફ જતા લોકોને આશરે 35 કિલોમીટરનો ફેરો બચશે. જેના કારણે મુસાફરોના સમય અને ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે.
દેણવા અને ડોલિયા ગામ વચ્ચે બનેલો આ બ્રિજ જંબુસરના બ્લોક ડ્રગ પાર્ક વિસ્તારને દહેજ સાથે સીધા અને ઝડપી માર્ગે જોડવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે. બ્રિજથી જંબુસર, આમોદ તેમજ વાગરા તાલુકાના અનેક ગામોના લોકો માટે આવાગમન સરળ બનશે. ખાસ કરીને દહેજના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગારી માટે જતા કામદારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને લાંબા સમયથી પડતી મુશ્કેલીમાંથી રાહત મળશે.
દહેજમાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજિંદી અવરજવર કરે છે. નવા બ્રિજના કારણે દહેજ પહોંચવાનો સમય અને અંતર ઘટતાં કામદારોને મોટો લાભ મળશે. સાથે જ સ્થાનિક વેપાર-ધંધા અને રોજગારીની નવી તકોને પણ વેગ મળવાની શક્યતા છે.
લોકોની સુવિધા માટે બ્રિજને હાલ તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. જોકે હાલમાં માત્ર ટુ-વ્હીલર અને લાઇટ ફોર-વ્હીલરને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. ભારે વાહનો માટે બ્રિજ પર વાહનવ્યવહાર શરૂ કરાયો નથી.
ચોમાસા દરમિયાન ઢાઢર નદીના પ્રવાહને કારણે દેણવા તરફના બ્રિજના એપ્રોચ વિસ્તારમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. જેથી બ્રિજના પ્રોટેક્શન માટેની વધારાની કામગીરી હાથ ધરાઈ છે. ચોમાસું પૂર્ણ થયા બાદ પ્રોટેક્શન વર્કની વધુ કામગીરી કરવામાં આવશે.
લોકાર્પણ પ્રસંગે જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન યાદવ સહિત જંબુસર-આમોદ તાલુકાના પદાધિકારીઓ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
