Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: કસકમાં દિવાલ ધરાશાયી, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર  :  એસડીએમ અને નગરપાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; વરસાદ બંધ થતાં પાણી ઓસરતા લોકોએ રાહત અનુભવી

Share

 

ભરૂચ:
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે ભરૂચ શહેરના જનજીવનને પ્રભાવિત કર્યું હતું. શહેરના કસક સર્કલ, સેવાશ્રમ રોડ, ફુરજા બંદર, શંભુ ડેરી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

કસક વિસ્તારમાં આવેલી ન્યૂ નવીનગરીમાં ભારે વરસાદ દરમિયાન એક દિવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં પાર્ક કરેલી એક બાઇક અને એક સાયકલ કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી. અનેક સ્થળોએ વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી, જ્યારે પાણી ભરાવાના કારણે લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર હતું. ભરૂચના એસડીએમ મનીષા મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તથા નગરપાલિકાની ટીમે પાણી ભરાયેલા વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ સંબંધિત વિભાગોને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી અને સમગ્ર પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું.

શુક્રવાર સવારે વરસાદનું જોર ઘટતા અને વરસાદ બંધ રહેતા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલું પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું હતું. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

લીંબડી થી ત્રણ કિલોમીટર દૂર થી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

ProudOfGujarat

દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો : AK-47 અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!